...... અખબારોને તેમના મંતવ્યો વ્યક્ત કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા હોવી જોઈએ, પરંતુ પોતાની જવાબદારીઓનો પણ તેઓએ સ્પષ્ટપણે ખ્યાલ રાખવો જ જોઈએ. સ્વતંત્રતાને તેના પોતાનાં કર્તવ્યો તથા ફરજો છે.

આ દેશમાં કે જ્યાં હજી ગઈકાલે જ સ્વતંત્રતા હાંસલ થઇ છે...તેમાં જ્યાં સુધી આપણે સૌથી પહેલા કાયદો તથા વ્યવસ્થા પુન:સ્થાપિત નહીં કરીએ ત્યાં સુધી વિકાસ કે પ્રગતિ કરવી અશક્ય છે. ઉપરાંત ઉપરથી પાર્ટીશન આવી પડયું છે જેણે આપણાં કાર્યને કઠિન બનાવ્યું.

..... દેશમાં સૌ પ્રથમ જરૂરિયાત બાહ્ય તથા આંતરિક સુરક્ષાની હતી. જ્યાં સુધી સુરક્ષા અને સલામતી નહીં હોય ત્યાં સુધી આપણી કોઈ પણ યોજનાઓ પાર પડશે નહીં.

તમારી (પોલીસની) જવાબદારી સરકારની પ્રતિષ્ઠા જાળવવાની તથા નાગરિકોના સન્માનનું રક્ષણ કરવાની છે. તમે માત્ર ગુનો કે અપરાધની ભાળ કાઢીને અપરાધીઓને સજા કે દંડ કરો તે પુરતું નથી. તમારે લોકોનો સ્નેહ જીતવાની પણ જરૂર છે ....એક પોલીસ અધિકારી અથવા પોલીસો જેઓ પરિસ્થિતિને સંભાળતા સંભળતા પોતાનું આત્મસંયમ ગુમાવે છે તે આ પોલીસ દળનો એક સભ્ય બનવાને લાયક નથી.

અહીં કેટલાક યુવાન પુરુષો એમ માને છે કે આ દેશમાં હિંદુ રાજ હોવું જોઈએ અને એક માત્ર હિંદુ સંસ્કૃતિનું જ સ્થાન ભારતમાં છે. ગાંધીજી તે ભયાનક વિચારસરણી સામે લડતા હતા ....તેમણે જણાવ્યું હતું કે આપણો ઉદ્ધાર એકતા પર નિર્ભર છે.

પ્રથમ વખત આપણને પુખ્ત મતાધિકાર મળ્યો છે અને જો લોકો પોતાના મતાધિકારનો વ્યાજબી રીતે ઉપયોગ નહીં કરે અથવા તેમના મતાધિકારને સમજદારીથી નહિ વાપરે તો લોકશાહીતંત્રનું કાર્ય મુશ્કેલ બનશે અને આપણે ઘણું બધું ગુમાવવું પડશે.

એક લોકશાહીતંત્રમાં આપણને અખબારી સ્વતંત્રતા, વાણી સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને સંગઠનની સ્વતંત્રતા તેમજ તમામ પ્રકારની સ્વતંત્રતા હોવી જોઈએ.

લાખો લોકોના બલિદાન દ્વારા આપણને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે. જો આપણે આ સ્વાધીનતાનો ત્યાગ કરીને વિદેશી સંસ્થા માટે કામ કરતા લોકોની ધમકીઓને શરણે જશું તો તે આ બધાંના બલિદાનનું પરિણામ એળે જશે.

જાતિ અને સંપ્રદાયની કોઈ પ્રકારની ભિન્નતા આપણને બાધારૂપ બનવી જોઇએ નહીં. બધાં ભારતના પુત્રો અને પુત્રીઓ છે. આપણે બધાંએ આપણા દેશને પ્રેમ કરવો જોઈએ અને પરસ્પર પ્રેમ અને સહાય વડે આપણાં પ્રારબ્ધનું નિર્માણ કરવું જોઈએ.

તે સાચું છે કે આપણે વિદેશી શાસનને દૂર કર્યું છે પરંતુ તેને દૂર કર્યા પછી આપણે આપસમાં ઝઘડા અને દંગાફસાદ કરીને એકબીજાંના ગળા કાપી નાખ્યાં છે. દુનિયા સમક્ષ આપણે એક એવો તમાશો રજૂ કર્યો જે આપણી સંસ્કૃતિનો તદ્દન વિરોધાભાસ દર્શાવે છે અને તે ગાંધીજીના ઉપદેશો કરતા પૂર્ણતઃ વિરુદ્ધ છે.