Sardar Patel

સરદાર વલ્લભભાઈ પટેલ નો જન્મ ૩૧ ઓક્ટોબર, ૧૮૭૫ માં ગુજરાતના ખેડા જિલ્લાના નડીયાદ  ગામમાં થયો હતો જે અમદાવાદથી અંદાજે ૪૦ કિલોમીટર ના અંતરે આવેલું છે. તેમ છતાં વલ્લભભાઈ નો ઉછેર તેમના મોસાળના ગામ કરમસદ માં થયો હતો જે ખેડા જિલ્લામાં આણંદ અને નડિયાદથી લગભગ ૩ માઈલના અંતરે આવેલું  છે. વલ્લભભાઈના પિતાજી એક દેશભક્ત અને સાહસિક માણસ હતા.તેમણે ૧૮૫૭ ના બળવામાં ભાગ લીધો હતો અને એમ જાણવામાં આવ્યું હતું કે તેઓ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની લશ્કરી ટુકડીમાં જોડાયા હતા. જિંદગીના પાછલાં વર્ષોમાં તેમને ઈંદોરના હોલ્કરની જેલમાં કેદ કરવામાં આવ્યા હતા. તેમની માતા લાડબાઈ ખૂબ જ ધર્મિષ્ઠ હતા તેમ છતાં તેમનો ધાર્મિકતા તેમની ઘરની જવાબદારીઓમાં દખલ દેતી ન હતી. જવેરભાઈને સોમાભાઈ, નરસીભાઇ, વિઠ્ઠલભાઈ, વલ્લભભાઈ અને કાશીભાઈ એમ પાંચ સંતાનો હતા તેમાંથી વિઠ્ઠલભાઈ અને વલ્લભભાઈ પાછળના વર્ષોમાં પ્રખ્યાત થયા હતા. વલ્લભભાઈએ ૧૮૯૭માં ૨૨ વર્ષની ઉંમરે નડિયાદમાંથી મેટ્રિકની પરીક્ષા પૂર્ણ કરી હતી. ઘણી નાની ઉંમરે થી જ વલ્લભભાઈએ વિદ્યાર્થી તરીકેની ઉત્કૃષ્ટ ક્ષમતાઓ દર્શાવી હતી. મેટ્રિકયુલેશન પછી યુવાન પટેલે પોતાના મોટાભાઈ વિઠ્ઠલભાઈના પગલે વકીલ બનવાનો નિર્ણય કર્યો. પાછળથી તેઓ લંડનની મીડલ ટેમ્પલમાંથી અભ્યાસ પૂર્ણ કરીને એક બેરિસ્ટર બન્યા હતા. વલ્લભભાઈના લગ્ન ઝવેરબા જેઓ ઝવેરબાઈ ના નામે પણ ઓળખાતા હતા તેમની સાથે થયા અને તેમને બે સંતાનો થયા જેમાંથી પહેલા મણીબેનનો જન્મ ૧૯૦૪ માં થયો અને ત્યાર પછી ડાહ્યાભાઈનો જન્મ વર્ષ ૧૯૦૬ માં થયો હતો.