પ્રથમ નાયબ વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરી રહેલા પટેલ

૧૯૪૭ ની શરૂઆતમાં બ્રિટીશ પ્રધાનમંત્રી ક્લિમેન્ટ એટ્લીએ જાહેરાત કરી હતી કે બ્રિટન ભારત છોડશે. તે એક ઐતિહાસિક ક્ષણ હતી. ફેબ્રુઆરી ૧૯૪૭માં હાઉસ ઓફ કોમન્સમાં આપેલા એક નિવેદનમાં એટ્લીએ જણાવ્યું હતું કે મેજેસ્ટી સરકાર જૂન ૧૯૪૮ સુધી ભારતીય હાથમાં સત્તા હસ્તાંતરણ કરવાની ઇચ્છા વ્યક્ત કરે છે. લોર્ડ વેવેલની જગ્યાએ નવા વાઇસરોય તરીકે લોર્ડ માઉન્ટબેટનની નિમણૂક પણ કરવામાં આવી હતી. જૂન ૧૯૪૭ માં નિવેદન આપતા લોર્ડ માઉન્ટબેટને સત્તા હસ્તાંતરણ કરવાની તારીખ જૂન ૧૯૪૮ થી આગળ કરીને ઓગસ્ટ ૧૯૪૭ કરી હતી. 

પટેલ અને અન્ય ઘણાં લોકો જેઓએ સ્વતંત્રતા મેળવવાની સુંદર કલ્પના કરી હતી તેઓને માટે આઝાદીનું સ્વપ્ન હવે હાથવેંતમાં જ લાગતું હતું. પરંતુ તેમના પરિશ્રમની એક ભારે કિંમત ચૂકવવી પડી હતી. ભારતનું બે રાષ્ટ્રોમાં વિભાજન થવું અનિવાર્ય હતું જોકે પટેલે શરૂઆતમાં જીન્નાહના પાકિસ્તાનના વિચારને 'પાગલ સ્વપ્ન' તરીકે જ જાહેર કર્યું હતું, પરંતુ પાછળથી તેમને જણાયું હતું કે આ સત્ય કડવી ગોળીની જેમ ગળી જવાનું હતું.

હૃદયમાં પોષાયેલું આઝાદીનું આ પ્રિય સ્વપ્નન ૭૨ વર્ષની જૈફ ઉંમરે સાકાર થયુ તે સમયે પટેલે આરામ કે નિવૃત્તિ અંગે વિચાર કર્યો ન હતો. એક નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે, 'આનંદની આ ઘડીએ આપણે ભૂલી જવું ન જોઈએ કે સ્વતંત્રતા પોતાને પગલે પગલે અતિ મહત્વની જવાબદારીઓ અને ઉત્કૃષ્ટ કર્તવ્યો પણ લાવે છે. 'ખરેખર, આપણી સામે ઘણી બધી પ્રચંડ મુશ્કેલીઓ અને દુર્ગમ અવરોધો છે; પરંતુ આપણે બધાએ તેમના પર પ્રભુત્વ મેળવી તેમાંથી પાર નીકળવાનું છે.'