એક લોકશાહીતંત્રમાં આપણને અખબારી સ્વતંત્રતા, વાણી સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને સંગઠનની સ્વતંત્રતા તેમજ તમામ પ્રકારની સ્વતંત્રતા હોવી જોઈએ.

લાખો લોકોના બલિદાન દ્વારા આપણને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે. જો આપણે આ સ્વાધીનતાનો ત્યાગ કરીને વિદેશી સંસ્થા માટે કામ કરતા લોકોની ધમકીઓને શરણે જશું તો તે આ બધાંના બલિદાનનું પરિણામ એળે જશે.

જાતિ અને સંપ્રદાયની કોઈ પ્રકારની ભિન્નતા આપણને બાધારૂપ બનવી જોઇએ નહીં. બધાં ભારતના પુત્રો અને પુત્રીઓ છે. આપણે બધાંએ આપણા દેશને પ્રેમ કરવો જોઈએ અને પરસ્પર પ્રેમ અને સહાય વડે આપણાં પ્રારબ્ધનું નિર્માણ કરવું જોઈએ.

તે સાચું છે કે આપણે વિદેશી શાસનને દૂર કર્યું છે પરંતુ તેને દૂર કર્યા પછી આપણે આપસમાં ઝઘડા અને દંગાફસાદ કરીને એકબીજાંના ગળા કાપી નાખ્યાં છે. દુનિયા સમક્ષ આપણે એક એવો તમાશો રજૂ કર્યો જે આપણી સંસ્કૃતિનો તદ્દન વિરોધાભાસ દર્શાવે છે અને તે ગાંધીજીના ઉપદેશો કરતા પૂર્ણતઃ વિરુદ્ધ છે.

સુખ અને દુઃખ એ કાગળનો વાઘ છે. મૃત્યુથી ડરશો નહીં. રાષ્ટ્રવાદી દળો સાથે જોડાઓ, એકીકૃત રહો. જેઓ ભુખ્યા છે તેમને કામ આપો, અપંગોને અન્ન આપો, તમારા આપસી ઝઘડાઓ ભૂલી જાઓ.

થોડા લોકોની બેદરકારી, સહેલાઈથી આપણી આ નાવ ડુબાડી શકે એમ છે, પરંતુ જહાજ પર રહેલાં દરેકના હૃદયપૂર્વકના સાથસહકારની જરૂર છે; તે જરૂરથી ઉગારી શકાશે અને સુરક્ષિતરૂપે બંદર ઉપર પાછી લાવી શકાશે.

આપણે પરસ્પર સાથેના કજિયાકંકાસ છોડવા પડશે, ઊંચ નીચના ભેદભાવ દૂર કરી સમાનતાની ભાવના કેળવવી પડશે અને અસ્પૃશ્યતા નિર્મૂળ કરવી પડશે. આપણે બ્રિટીશ શાસન પહેલાં સ્વરાજની જેવી પરિસ્થિતિઓ હતી તેને પુનઃસ્થાપિત કરવી પડશે. આપણે એક જ પિતાના સંતાનોની જેમ જીવવું જોઈએ.

આજે આપણે ઊંચ નીચ, ગરીબ કે તવંગર, જાતિ અથવા સંપ્રદાયના ભેદભાવોને દૂર કરવા જ જોઈએ.

તમારી સારપ અને ભલમનસાઈ તમારા માર્ગમાં અવરોધ ઉભા કરે છે તેથી તમારી આંખો ક્રોધથી લાલ થઇ જવા દો અને અન્યાય સામે કડક હાથે લડવાના પ્રયત્નો કરો.

એક દેશના શાસનતંત્ર માટે એકતા અને સહકાર એ અનિવાર્ય અને આવશ્યક બાબતો છે.

સત્યાગ્રહ ઉપર આધારિત યુદ્ધ હંમેશા બે પ્રકારના હોય છે. એક જે આપણે અન્યાય સામે યુદ્ધ ચલાવીએ છીએ તે અને બીજું જે આપણે આપણી પોતાની નબળાઈઓ સામે ઝઝૂમીએ છીએ તે.

બધાંના સહિયારા પ્રયત્નો દ્વારા આપણે દેશને એક નવી ભવ્યતા ઉપર લઇ જઈ શકીએ છીએ, જ્યારે એકતાનો અભાવ આપણને નવેસરથી ગંભીર આપત્તિઓના જોખમમાં નાખશે.