ભારતીય રાજ્યોની પ્રગતિની સમાલોચના કરવી

જ્યારે ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતમાં પોતાનો પગપેસારો કરવા માંડયો ત્યારે ભારતીય રાજ્યોના નવાબો અને રાજાઓને વ્યૂહાત્મક સાથીઓ તરીકે જોવામાં આવ્યાં હતા. કંપનીએ આ રાજ્યોના શાસકો પર સંધિ કરવાની ફરજ પાડી હતી જેના દ્વારા કંપનીને સર્વોત્તમ સત્તા તરીકે ઓળખવામાં આવી હતી. પરંતુ ઑગસ્ટ  ૧૯૪૭માં બ્રિટીશને પાછા ખેંચી લેવાથી, આ સર્વોચ્ચતાના અંત આવશે અને આ ભારતીય રાજ્યોના શાસકો ફરી એક વખત મુક્ત થશે. ભારતના કુલ પ્રદેશના બે પંચમાંશ ભાગમાં રજવાડાઓનો સમાવેશ થતો હતો. કેટલાક જેવાં કે હૈદરાબાદ અને કાશ્મીર તો કેટલાક યુરોપીયન દેશો કરતા પણ મોટા હતા. અન્ય કેટલાક તો નજીવી એસ્ટેટ અથવા તો થોડાં નાના ગામડાઓ ધરાવતી નાની જાગીર હતા. બધું મળીને કુલ આવાં ૫૬૫ રાજ્યો હતા કે જેમને ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ની મધરાત પછી ભારત અથવા પાકિસ્તાન સાથે જોડાવા અથવા સ્વતંત્ર રહેવાની તક આપવામાં આવી હતી.

નિયત સમયના અંદાજે બે મહિના પહેલાં, ૨૭મી જૂન, ૧૯૪૭ના રોજ રજવાડાઓના ભારતીય યુનિયન સાથેના જોડાણના કાર્યને સરળ બનાવવા સરદાર પટેલના અધ્યક્ષપણા હેઠળ નવા રાજ્ય મંત્રાલય વિભાગની સ્થાપના કરવામાં આવી હતી. પટેલે આ વિભાગના સચિવ તરીકે વી.પી. મેનનની પસંદગી કરી. તેઓએ સાથે મળીને ભારતીય રાષ્ટ્રને એકત્ર કરવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું.

બિકાનેર અને બરોડા જેવા કેટલાક રાજ્યો ઝડપથી જોડાઈ ગયા હતા પરંતુ કાશ્મીર અને મણિપુર જેવા અન્ય રાજ્યો મહિનાઓથી સુધી ઢચુંપચું રહ્યાં હતા. કાઠિયાવાડના મધ્ય ભાગમાં આવેલ જૂનાગઢ પાકિસ્તાન સાથે જોડાયું હતું. ત્રાવણકોરે તેની સ્વતંત્રતા જાહેર કરી હતી અને ભારતના હાર્દસમા હૈદરાબાદ કે જે ભારતનું સૌથી ધનવાન ભારતીય રાજ્યોમાંનું એક રાજ્ય હતું તે તો સ્વતંત્ર રાષ્ટ્ર બનવાના સ્વપ્નમાં રાચતું હતું.

સરદાર પટેલને આ અંધાધૂંધી દરમ્યાન સંભવિત આંતરવિગ્રહ થવાના એંધાણ દેખાતા હતા. પાર્ટીશનની હિંસાએ લોકોમાં ભય અને અવિશ્વાસની ઊંડી લાગણી ઊભી કરી હતી. યુવા રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકનારા કોઈ પણ પરિબળને ટાળવા માટે, પટેલે ૭૨ વર્ષની જૈફ વયે આ પડકારજનક કાર્યનું સંચાલન કરવાનો હવાલો સંભાળ્યો. સમયના આટલાં ટૂંકા ગાળામાં આવા વિવિધ વૈવિધ્યસભર માનવ સમુદાયને એક રાષ્ટ્રમાં સંકલિત કરવાનું કાર્ય આખા વિશ્વમાં બીજે ક્યાંય થયું નહી હોય. પરંતુ સરદાર કોઈ પડકારથી હારી જાય તેવા ન હતા.

પટેલ, મેનન અને તેમની ટીમે ધીરજપૂર્વક તથા અવિશ્રાંત મહેનતથી એક એવી પ્રક્રિયા શરૂ કરી કે જેના દ્વારા ૫૬૫ રજવાડાઓ ભારતીય સંઘમાં એકીકૃત થયા. તેઓની ઉત્કૃષ્ટ દૂરંદેશી અને નોંધપાત્ર યોગદાન વગર ભારતની ભૌગોલિક રચના અસુરક્ષિત રીતે અલગ હોત. જે દેશ માટે તેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું તે દેશ માટે આ તેમનો સૌથી ચિરસ્થાયી વારસો છે.